શું તમે જાણો છો કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે સ્ટૉક એક્સચેન્જની બહાર સ્ટૉક ખરીદે છે? તે એક પ્રૉક્સી સિસ્ટમ છે, જેને ડબ્બા ટ્રેડિંગ કહેવાય છે.
ડબ્બા ટ્રેડિંગની વ્યાખ્યા
વર્ષો પસાર થતા સ્ટૉક માર્કેટે લોકપ્રિયતા મેળવી છે. ઐતિહાસિક રીતે જોતાં, તેણે અન્ય રોકાણ કરતાં વધુ વળતર આપ્યું છે, જેના લીધે લાભ મેળવવા માટે વધુ રોકાણકારો ઇક્વિટીમાં રોકાણ કરવા માટે પ્રેરિત થાય છે. જો કે, ઘણીવાર રોકાણકારો સ્ટૉકમાં રોકાણ કરવા માટે કોઈ અલગ માર્ગ અપનાવતા હોય છે. ભારતમાં ડબ્બા સિસ્ટમ એક સમાંતર સિસ્ટમ છે, જે રોકાણકારોને સ્ટૉક એક્સચેન્જની બહાર સ્ટૉક ખરીદવા અને વેચવાની સુવિધા આપે છે. જ્યારે આપણે કહીએ છીએ કે તે એક સમાંતર સિસ્ટમ છે, તો તેનો અર્થ એ છે કે ડબ્બા ટ્રેડિંગ ગેરકાયદેસર છે.
ચાલો, ડબ્બા ટ્રેડિંગનો અર્થ વિગતવાર સમજીએ, જેથી અનધિકૃત માર્કેટમાં ટ્રેડ કરવું શા માટે જોખમી છે તે સમજી શકાય.
ડબ્બા ટ્રેડિંગ શું છે?
ડબ્બા ટ્રેડિંગ એ પ્રૉક્સી માર્કેટ છે. રોકાણકારોએ સ્ટૉક એક્સચેન્જમાં સ્ટૉક ખરીદવા અને વેચવા માટે કોઈ બ્રોકર પાસે ડિમેટ એકાઉન્ટ ખોલાવવું આવશ્યક છે. પરંતુ બકેટ ટ્રેડિંગમાં, તમામ ટ્રાન્ઝેક્શન માર્કેટ ગાઇડલાઇનને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવે છે. તે જોખમી છે પરંતુ નફાકારક છે, કારણ કે તેમાં કોઈ નિયમનકારી નિયમો અને નિયમનો લાગુ થતા નથી. ડબ્બા સિસ્ટમમાં તમામ ટ્રેડને રોકડમાં સેટલ કરવામાં આવે છે. આ સિસ્ટમમાં, તમામ ઑપરેટર વ્યક્તિગત રીતે ઑર્ડર લે છે અને સ્ટૉક માર્કેટની બહાર ટ્રાન્ઝેક્શન બુક કરે છે.
તે ગેરકાયદેસર હોવાથી, નફા પર કોઈ ઇન્કમ ટૅક્સ લાગતો નથી. ટ્રેડર તેમના ટ્રાન્ઝેક્શન પર કોઈપણ કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ (CTT) અથવા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ (STT) પણ ચૂકવતા નથી. સેબીએ ડબ્બા ટ્રેડિંગ સિસ્ટમ પર અંકુશ મૂકવા અને વધુ રોકાણકારોને મુખ્ય પ્રવાહના માધ્યમે રોકાણ કરવા પ્રોત્સાહિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે.
ડબ્બા ટ્રેડિંગ કેવી રીતે કામ કરે છે?
ડબ્બા સિસ્ટમને ભારતમાં બૉક્સ ટ્રેડિંગ અને US માર્કેટમાં બકેટ ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે. બ્રોકર રોકાણકારોને સ્ટૉક માર્કેટની બહાર રોકાણ કરવા માટેનો માર્ગ દર્શાવે છે. ઑપરેટર દ્વારા આવા ઑર્ડર મૂકવામાં આવે છે અને દર અઠવાડિયે તમામ ટ્રાન્ઝેક્શનને રોકડમાં સેટલ કરવામાં આવે છે. ઑપરેટર પોતાના ક્લાયન્ટ પાસેથી ઑર્ડર પ્રાપ્ત કર્યા પછી પોતાના રેકોર્ડમાં ટ્રેડ બુક કરે છે. ઑપરેટર પોતાના ક્લાયન્ટ પાસેથી આ ટ્રેડની સુવિધા માટે પૈસા વસૂલે છે.
બકેટિંગ માર્કેટમાં ટ્રાન્ઝેક્શન કરવું એ વધુ જોખમ ધરાવે છે. તે ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન હોવાથી, તેમાં સામેવાળી પાર્ટીને લગતા જોખમો અને સંબંધિત ઓથોરિટી દ્વારા લેવામાં આવતી ઍક્શનનો સમાવેશ થાય છે. ડબ્બા સિસ્ટમ એ સેટલમેન્ટ થવાની કોઈપણ ગેરંટી વિનાનું એક બનાવટી માર્કેટ છે, એટલે કે તમે તમારા તમામ રોકાણો ગુમાવી પણ શકો છો.
ભારતમાં, આ સમાંતર માર્કેટમાં મોટાભાગે તાંબા અને ક્રૂડ ઓઇલની સાથે સાથે સોના અને ચાંદીનું ટ્રેડિંગ કરવામાં આવે છે.
સેબીએ ડબ્બા ટ્રેડિંગ પર ગેરકાયદેસર અને પ્રતિબંધિત પ્રવૃત્તિ તરીકે સેબીના છેતરપિંડી અને ગેરવ્યાજબી ટ્રેડ પ્રેક્ટિસના પ્રતિબંધના નિયમનો 3 અને 4 હેઠળ પ્રતિબંધ મૂક્યો છે. તે ભારતીય દંડ સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઍક્ટ 2000 હેઠળ પણ સજાપાત્ર છે
.
કાયદેસર ટ્રેડિંગ અને ડબ્બા ટ્રેડિંગ વચ્ચેનો તફાવત
જ્યારે કોઈ રોકાણકાર સ્ટૉક ખરીદવાનો ઑર્ડર આપે છે, ત્યારે બ્રોકર સ્ટૉક માર્કેટમાં ઑર્ડરનો અમલ કરે છે. આ ટ્રાન્ઝેક્શનમાં અમુક ખર્ચ થાય છે, જેમ કે બ્રોકરેજ ફી, એક્સચેન્જ ફી, સેબી ટર્નઓવર ફી અને ઇન્કમ ટૅક્સ વિભાગને ચૂકવવામાં આવતા ટૅક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ (STT). રોકાણકારે રૂ. 100 ના ટ્રાન્ઝેક્શન માટે રૂ. 101 ખર્ચ કરવા પડે છે.
ડબ્બા ટ્રેડિંગમાં, એજન્ટ માર્કેટની બહાર ટ્રેડ કરે છે, અને એક્સચેન્જમાં કોઈ વાસ્તવિક ઑર્ડર આપવામાં આવતો નથી. ખરીદદારો કોઈ સ્ક્રીપ પર એક ચોક્કસ ભાવ પર દાવ લગાવે છે. જો શેરનો ભાવ તેનાથી વધે, તો ટ્રેડરને ક્વોટ કરેલ કિંમત અને વધેલી કિંમત વચ્ચેના તફાવતનો લાભ મળે છે. તે જ રીતે જો ભાવ ઘટે, તો ગ્રાહકે તફાવતની ચુકવણી કરવાની રહે છે. ડબ્બા સિસ્ટમમાં ટ્રેડર પાસે ટ્રાન્ઝેક્શન કરવા માટે પૈસા હોવાની જરૂર નથી.
ટૂંકમાં, ડબ્બા ટ્રેડિંગ એ સ્ટૉકના ભાવની વધ-ઘટ પર સટ્ટો છે. કોઈ વાસ્તવિક ટ્રાન્ઝેક્શન થતું ના હોવાથી, તેમાં કોઈ ટ્રાન્ઝેક્શન ખર્ચ થતો નથી. જો ભાવ તમારી તરફેણમાં જાય, તો તમને ફાયદો થશે. અન્યથા, તમારે તફાવતની રકમની ચુકવણી કરવાની રહેશે.
માર્કેટ રેગ્યુલેટરના તમામ પ્રયાસો છતાં, ડબ્બા ટ્રેડિંગ વધી રહ્યું છે. આ પદ્ધતિ દ્વારા કાળા નાણાંને ધોળા નાણાંમાં બદલવામાં આવે છે. મોટાભાગે, રોકાણકારો આવા ગેરકાયદે ટ્રેડમાં સ્વેચ્છાએ ભાગ લેતા હોય છે. કેટલીકવાર, બ્રોકર ક્લાયન્ટની જાણ બહાર સ્યુડો-ટ્રેડિંગ કરતા હોઈ શકે છે.
બ્રોકર એક પ્રાઇસ પૉઇન્ટ નિર્ધારિત કરવા માટે એક શેરનું ટ્રાન્ઝેક્શન કરે છે, જ્યારે વાસ્તવિક ડીલમાં સેંકડો કે હજારો શેર હોય છે. એકવાર તે થઈ જાય પછી, ટ્રેડને તે તારીખે સ્ક્વેર ઑફ કરવામાં આવે છે. આ તમામ ટ્રેડ સંપૂર્ણપણે વિશ્વાસના આધારે થાય છે.
ડબ્બા ટ્રેડિંગ સોફ્ટવેર
ડબ્બા ટ્રેડિંગ એ એક હકીકત છે. તે એવા લેવલ પર પહોંચી ગયું છે, જ્યાં ટ્રેડર સ્ટૉક માર્કેટની બહાર ટ્રેડ કરવા માટે ખાસ બનાવેલ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. જો કે સેબી અનધિકૃત ટ્રેડિંગ પર અંકુશ મૂકવા માટે કડક પગલાં લઈ રહી છે, તેમ છતાં ડબ્બા ટ્રેડિંગના વૉલ્યુમમાં વધારો થઈ રહ્યો છે. લોકો ડબ્બા ટ્રેડિંગ સોફ્ટવેર અને એપનો ઉપયોગ કરી રહ્યા છે, જે તેમને સરળ ક્લિક દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા આપે છે. આ તમામ એપ્લિકેશન ભાવમાં થતા ફેરફારોને લાઇવ ટ્રૅક કરવા માટે સ્ટૉક અને કોમોડિટી માર્કેટ સાથે જોડાયેલ હોય છે.
ડબ્બા અથવા બૉક્સ ટ્રેડિંગના જોખમો
ડબ્બા ટ્રેડિંગ વધુ જોખમો ધરાવે છે કારણ કે તે નિયંત્રિત નથી. તેમાં સેટલમેન્ટ થવાની કોઈ ગેરંટી હોતી નથી. ડબ્બા ટ્રેડનો નફો અન્ય પાર્ટીના નુકસાન પર આધાર રાખે છે. ડબ્બા માર્કેટમાં ઑપરેટ કરતા લોકો સ્ટૉક એક્સચેન્જના સભ્ય હોતા નથી. આ ઑપરેટર સ્ટૉક માર્કેટમાં મોટા ઑર્ડર મૂકે છે અને ડીલમાંથી નફો કે નુકસાન વહન કરે છે, જે બૉક્સ ટ્રેડિંગને એક અયોગ્ય રોકાણ વિકલ્પ બનાવે છે.
ડબ્બા ટ્રેડિંગ સમગ્ર અર્થતંત્રને અસર કરે છે. તે ટૅક્સમાં ચોરીને પ્રોત્સાહન આપે છે, જ્યાં કાયદાકીય સિસ્ટમની બહાર લાખો અને કરોડોનો સટ્ટો લગાવવામાં આવે છે. તેના લીધે સરકારને હજારો કરોડોની આવકનું નુકસાન થાય છે.
બીજું, તે સંગઠિત જુગાર સમાન છે, જે ભારતમાં ગેરકાયદેસર છે. ટ્રેડર એક્સચેન્જ અથવા સેબી દ્વારા પ્રદાન કરવામાં આવેલ સુરક્ષા ઉપાયો વિના ટ્રેડ કરે છે. ઘણીવાર, ટ્રેડર પોતાની પાસે રિઝર્વમાં પૂરતા પૈસા વિના કરોડોના મોટા ઑર્ડર મૂકે છે. તેથી, જો તમે સટ્ટો જીતી જાવ તો પણ, તમે હારી ગયેલા બ્રોકર અથવા રોકાણકાર પાસેથી નાણાં મેળવી શકતા નથી. તેથી, તમારા પૈસા પર હંમેશા જોખમ મંડરાતું રહે છે, કારણ કે તેમાં કોઈ એક્સચેન્જની ગેરંટી અથવા માર્જિન સેફ્ટી હોતી નથી.
અંતિમ તારણ
ડબ્બા ટ્રેડિંગ જોખમી અને ગેરકાયદેસર છે. તેથી, મોટાભાગના રોકાણકારો આ માર્ગે જવાનું ટાળે છે. ડિમેટ એકાઉન્ટ ખોલાવીને, સ્ટૉકમાં રોકાણ કરી શકાય છે. આજકાલ, કોઈ રજિસ્ટર્ડ બ્રોકર પાસે તમારું ડિમેટ એકાઉન્ટ ખોલાવવામાં માત્ર થોડી જ મિનિટો લાગે છે. તમે કોઈ પ્રતિષ્ઠિત બ્રોકર દ્વારા સુરક્ષિત અને પ્રામાણિકપણે રોકાણ કરી શકો છો.
Learn Free Stock Market Course Online at Smart Money with Angel One.