શાર્પ રેશિયો : વ્યાખ્યા, ફોર્મ્યુલા, ફાયદાઓ

શું તમે, વધારાના વળતર માટે તમારું જોખમ કેટલું વધે છે એ સમજ્યા વગર, કોઈ શ્રેષ્ઠ રોકાણનું મૂલ્યાંકન કરી શકો છો? શાર્પ રેશિયો તમારા માટે તે કામ કરે છે. 

 

રોકાણ કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય જોખમો ઘટાડીને મહત્તમ વળતર મેળવવાનો હોય છે. સામાન્ય રીતે, વધારાના જોખમો સાથે રોકાણમાંથી મળતું વળતર પણ વધે છે. પરંતુ, તમે તેની ગણતરી કેવી રીતે કરશો? તમે કદાચ નાણાંકીય નિષ્ણાતોને રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન વિશે વાત કરતા સાંભળ્યા હશે. તે કોઈ રોકાણમાં તેના જોખમ સામે મળતા વળતરની તુલનાનું માપ છે. રિસ્ક-એડજસ્ટેડ રિટર્નને માપતો રેશિયો એ શાર્પ રેશિયો છે, જેનું નામ અમેરિકન અર્થશાસ્ત્રી વિલન એફ. શાર્પના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ લેખમાં, આપણે શાર્પ રેશિયોની ગણતરી કેવી રીતે કરવી અને રોકાણના બહેતર નિર્ણયો લેવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ચર્ચા કરીશું

 

‘શાર્પ રેશિયો શું છે?’ તેનો સંક્ષિપ્ત સાર અહીં આપેલ છે

 

શાર્પ રેશિયો શું છે?

 

1966 માં વિલન એફ. શાર્પ દ્વારા રજૂ કરાયેલ, શાર્પ રેશિયો સૂચવે છે કે વધારાનું વળતર મેળવવા માટે વ્યક્તિએ વધારાનું જોખમ લેવું પડે છે. ઘણીવાર રોકાણ પર મળતું વધારાનું વળતર એ રોકાણ કરવાની કુશળતા કરતાં વધુ પ્રમાણમાં અસ્થિરતા અને જોખમોનું પરિણામ હોય છે. શાર્પ તેને રિવૉર્ડ-ટુ-વેરીયેબિલિટી રેશિયો કહે છે. શાર્પ રેશિયોની ગણતરી નીચેના ફોર્મ્યુલાને આધારે થાય છે

 

શાર્પ રેશિયો = E [Rp-Rf] / σp

 

E = અપેક્ષિત મૂલ્ય

 

Rp = કોઈ પોર્ટફોલિયો પરનું વળતર

 

Rf = જોખમ-મુક્ત દર

 

σp = તે પોર્ટફોલિયોના વધારાના વળતરનું સ્ટાન્ડર્ડ ડેવિયેશન

 

પોર્ટફોલિયોનું સ્ટાન્ડર્ડ ડેવિયેશન એ વળતરની વેરીયેબિલિટીની શ્રેણીના સમકક્ષ છે, જે વિચારણા હેઠળના કુલ પરફોર્મન્સ સેમ્પલ સુધી ઉમેરે છે

 

શાર્પ રેશિયોનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડના પરફોર્મન્સને માપવા માટે થાય છે. ઉચ્ચ શાર્પ રેશિયોનો અર્થ લીધેલ વધારાના જોખમના દરેક યુનિટ સામે ફંડની બહેતર વળતર પ્રદાન કરવાની ક્ષમતાથી છે. તમને કદાચ પ્રશ્ન થાય કે કયો શાર્પ રેશિયો સારો કહેવાય?’. અમે નીચે તેના વિશે ચર્ચા કરી છે

 

શાર્પ રેશિયો કેવી રીતે કામ કરે છે?

 

રોકાણકારો અને માર્કેટ એક્સપર્ટ બે પરસ્પર વિરોધાભાસી ધ્યેય ધરાવે છે. પ્રથમ ધ્યેય રોકાણમાંથી મળતા વળતરને મહત્તમ કરવાનું છે. અને બીજું, તેઓ જોખમો અથવા નાણાં ગુમાવવાની શક્યતાઓ ઘટાડવાનો પ્રયાસ કરે છે. તમે કોઈ રોકાણ વિકલ્પના અંદાજિત વળતરના આધારે તેનું મૂલ્યાંકન કરી શકો છો. પરંતુ, જોખમ ધરાવતા પરિબળોની સમજણ તમને નિર્ણય લેવામાં મદદ કરે છે. શાર્પ રેશિયો એ ઉચ્ચ વળતર માટે તમારે લેવા પડતા વધારાના જોખમને માપે છે. આ એક રીત છે, જેના દ્વારા જોખમને ધ્યાનમાં રાખીને રોકાણના પરફોર્મન્સને માપી શકાય છે. તમે તમારા પોર્ટફોલિયો અથવા વ્યક્તિગત સ્ટૉકનું મૂલ્યાંકન કરવા માટે શાર્પ રેશિયો લાગુ કરી શકો છો. તે સરકારી બોન્ડના જોખમ-મુક્ત વળતર સામે ગણતરી કરેલ એક સ્કોર આપે છે, જે દર્શાવે છે કે રોકાણ પરનું ઉચ્ચ વળતર એ લેવામાં આવતા વધારાના જોખમ મુજબ પૂરતા પ્રમાણમાં છે કે નહીં.   

 

શાર્પ રેશિયો મ્યુચ્યુઅલ ફંડ પરના રિસ્ક-એડજસ્ટેડ રિટર્નને માપવા માટે ઉપયોગી છે. તેનો સ્કોર જેટલો ઊંચો હોય, રિસ્ક-એડજસ્ટેડ રિટર્નની દ્રષ્ટિએ રોકાણ એટલું વધુ સારું હોય. તમે શાર્પ રેશિયોનો ઉપયોગ કરીને ફંડની સરખામણી કરી શકો છો.  

 

કયો શાર્પ રેશિયો સારો કહેવાય

 

શાર્પ સ્કોરના મહત્વને સમજ્યા પછી, આપણે તેનું સ્વીકાર્ય મૂલ્ય જાણવું જોઈએ. 1 થી ઉપરનું શાર્પ મૂલ્ય સારા રોકાણકારો દ્વારા સ્વીકાર્ય માનવામાં આવે છે

 

શાર્પ રેશિયોનું ગ્રેડેશન 

 

  • 1 થી ઓછો: ખરાબ
  • 1 – 1.99: પર્યાપ્ત/સારું
  • 2 – 2.99: અત્યંત સારું
  • 3 થી વધુ: ઉત્તમ

શાર્પ રેશિયોની ગણતરી કરવા માટે સરેરાશ વળતરમાંથી જોખમ-મુક્ત વળતરને બાદ કરીને તેને રોકાણના વળતરના સ્ટાન્ડર્ડ ડેવિયેશન વડે વિભાજિત કરવામાં આવે છે.

 

ચાલો, એક ઉદાહરણ સાથે સમજીએ.

 

પોર્ટફોલિયો A આગામી 12 મહિનામાં 13% નું વળતર મેળવે તેવી અપેક્ષા છે, જ્યારે પોર્ટફોલિયો B સમાન સમયગાળા દરમિયાન 11% નું વળતર મેળવે તેવી શક્યતા છે. હવે જોખમને ધ્યાનમાં લીધા વિના, પોર્ટફોલિયો A શ્રેષ્ઠ વિકલ્પ છે.

 

ધારો કે પોર્ટફોલિયો A નું સ્ટાન્ડર્ડ ડેવિયેશન 8% છે અને પોર્ટફોલિયો B માં તે 4% છે. સરકારી બોન્ડ પર જોખમ-મુક્ત વળતર 3% છે. ચાલો, ઉપર દર્શાવેલ શાર્પ રેશિયો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને, દરેક પોર્ટફોલિયોના શાર્પ રેશિયોની ગણતરી કરીએ.

 

પોર્ટફોલિયો A નો શાર્પ રેશિયો = 13-3 / 8 = 1.25

 

પોર્ટફોલિયો B નો શાર્પ રેશિયો = 11-3 / 4 = 2

 

દેખીતી રીતે, પોર્ટફોલિયો 2 વધુ સારો શાર્પ રેશિયો અથવા રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન ધરાવે છે. શાર્પ રેશિયો એ તમારા રોકાણ માટે વધુ સર્વગ્રાહી વિશ્લેષણ પૂરું પાડે છે.

 

શાર્પ રેશિયો સરકારી બોન્ડ દ્વારા આપવામાં આવતા જોખમ-મુક્ત વળતર કરતાં વધુ વળતર મેળવવાની રોકાણકારની ઇચ્છાને માપે છે. તેની ગણતરી સ્ટાન્ડર્ડ ડેવિયેશન પર આધારિત છે, જે રોકાણમાં રહેલા કુલ જોખમને દર્શાવે છે. આથી, આ રેશિયો તમામ જોખમ ધરાવતા પરિબળોને ધ્યાનમાં લીધા બાદ રોકાણ દ્વારા ઉત્પન્ન થતા વળતરને માપે છે. બીજા શબ્દોમાં કહીએ તો, શાર્પ રેશિયો એ રોકાણના રિસ્ક-એડજસ્ટેડ રિટર્નનું સૌથી સર્વગ્રાહી માપ છે અને રોકાણકાર તરીકે, તમારે શાર્પ રેશિયોનો અર્થ જાણવો જ જોઈએ

 

શાર્પ રેશિયોના ફાયદાઓ

 

રોકાણકારોએ શાર્પ રેશિયોની ગણતરી કેવી રીતે કરવી તે જાણવું જોઈએ કારણ કે તેના અનેક ફાયદાઓ છે. તમે શાર્પ મૂલ્યનો ઉપયોગ કરીને રોકાણ માટેના અનેક વિકલ્પોની સરખામણી કરી શકો છો.   

 

રિસ્કએડજસ્ટેડ રિટર્ન માપવાનું માધ્યમ

 

શાર્પ રેશિયો એ જોખમ-મુક્ત વળતર સામે રોકાણનું પરફોર્મન્સ નિર્ધારિત કરવા માટે એક વ્યાપક માપ પ્રદાન કરે છે. શાર્પ રેશિયોનું ઉચ્ચ મૂલ્ય વધુ સારું રિસ્ક-એડજસ્ટેડ પરફોર્મન્સ સૂચવે છે

 

ફંડની સરખામણી

શાર્પ રેશિયોનો અન્ય ઉપયોગ રોકાણ કરતી વખતે ફંડ વચ્ચે સરખામણી કરવા માટે થાય છે. એક્સપર્ટ આ રેશિયોનો ઉપયોગ સમાન જોખમો ધરાવતા અથવા સમાન સ્તરનું વળતર આપતા મ્યુચ્યુઅલ ફંડના પરફોર્મન્સની સરખામણી કરવા માટે કરે છે.

 

બેંચમાર્ક સામે સરખામણી

 

શાર્પ રેશિયો દ્વારા રોકાણકારો જાણી શકે છે કે તેમણે પસંદ કરેલ ફંડ તે જ કેટેગરીના અન્ય ફંડની સરખામણીએ સ્પર્ધાત્મક વળતર પ્રદાન કરે છે કે નહીં. તે માર્કેટના બેંચમાર્ક સાથે સરખામણી કરવાની સુવિધા પ્રદાન કરીને એક વ્યાપક દૃષ્ટિકોણ આપે છે, જેથી આ ફંડ બહેતર પરફોર્મ કરે છે કે ખરાબ પરફોર્મ કરે છે તે નિર્ધારિત કરી શકાય.

 

શાર્પ રેશિયો મ્યુચ્યુઅલ ફંડની પસંદગીમાં કેવી રીતે મદદ કરે છે  

 

ફંડ સ્ટ્રેટેજીનું વિશ્લેષણ

શાર્પ રેશિયો ફંડના પરફોર્મન્સ પર હેતુલક્ષી પ્રતિસાદ આપે છે. તમે તેનો ઉપયોગ જોખમ-મુક્ત બોન્ડ કરતાં વધુ વળતર મેળવતી વખતે બે ફંડ દ્વારા સામનો કરવામાં આવતા જોખમની સરખામણી કરવા માટે કરી શકો છો.   

 

જોખમ-વળતર વચ્ચેનું સંતુલન

ઉચ્ચ શાર્પ રેશિયો ધરાવતા ફંડની સરખામણી કરવી ઈચ્છનીય છે. કોઈ ફંડ મધ્યમ અસ્થિરતા સાથે તુલનાત્મક રીતે ઓછું વળતર ધરાવે તો તે ફંડ, વધુ વળતર અને ઉચ્ચ અસ્થિરતા ધરાવતા ફંડ કરતાં વધારે ઈચ્છનીય છે

 

શાર્પ રેશિયોની મર્યાદાઓ

કોઈપણ અન્ય નાણાંકીય રેશિયોની જેમ, શાર્પ રેશિયોની પણ મર્યાદાઓ છે. ફંડ મેનેજરો તેમના ફંડના વળતર માપવાના અંતરાલને લંબાવીને શાર્પ રેશિયોના મૂલ્યમાં ફેરફાર લાવી શકે છે, જેથી રોકાણકારો તેમના ફંડને વધુ સ્વીકારે. તેના કારણે અસ્થિરતાના અનુમાનમાં ઘટાડો કરી શકાય છે.

 

સ્ટાન્ડર્ડ ડેવિયેશન, જે પોર્ટફોલિયોના પરોક્ષ જોખમને માપે છે, તે અસ્થિરતાનું સાચું માપ નથી. નાણાંકીય બજારની અસ્થિરતા ઘણીવાર ઘેટાચાલનું પરિણામ હોય છે, જે મોટેભાગે સ્ટાન્ડર્ડ ડેવિયેશન કરતાં વધી જઈ શકે છે

 

બીજું, માર્કેટમાં વળતર પણ સિરિયલ કો-રિલેશન મુજબ મળતા હોય છે, એટલે કે વિવિધ અંતરાલમાં મળતા વળતર એક્મેકથી સંકળાયેલા હોઈ શકે છે અથવા માર્કેટના ટ્રેન્ડથી પ્રભાવિત હોઈ શકે છે.

 

અંતિમ તારણ

તમામ મર્યાદાઓ હોવા છતાં, શાર્પ રેશિયો સૌથી શક્તિશાળી નાણાંકીય રેશિયો પૈકીનો એક છે. એક્સપર્ટ તેનો ઉપયોગ રોકાણના કોઈપણ વિકલ્પમાં રહેલ સ્વાભાવિક જોખમને નિર્ધારિત કરવા માટેના માપદંડ તરીકે કરે છે. શાર્પ રેશિયોની ગણતરી રિસ્ક-એડજસ્ટેડ રિટર્નની સંપૂર્ણ સમજ આપે છે. ઘણી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ તેમના ફંડના પરફોર્મન્સનો શાર્પ રેશિયો વાર્ષિક ધોરણે પ્રકાશિત કરે છે.